રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં શહેરનાં આમ્રપાલી અન્ડરબ્રિજ ખાતે સુશોભન માટે 100 જેટલા કુંડા મુકવામાં આવ્યા છે. જો કે, બ્રિજ ઉપર મુકાયેલા કુંડા અતિશય જોખમી હાલતમાં છે. આ પૈકીનાં કેટલાક કુંડાઓ તૂટી ગયા છે. તો બાકીના પૈકી મોટાભાગના કુંડા સાવ ઢીલા થઈ ગયા હોવાથી જો ભારે પવન ફૂંકાય તો નીચે પડે તેવી શક્યતા છે. આ કુંડા વજનદાર હોવાથી નીચે પડે તો જાનહાનિ થવાની પૂરતી શક્યતા છે ત્યારે આ કુંડાનું સમારકામ કરવામાં આવે અથવા તેને હટાવી લેવામાં આવે તે જરૂરી છે.
રાજકોટમાં ટ્રાફિકથી સતત ધમધમતા અને રોજ 1 લાખ વાહનચાલકો જ્યાંથી પસાર થાય છે, તે રેસકોર્સ કિસાનપરા ચોકથી રૈયારોડ પર જવા આમ્રપાલી ફાટક નીચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. રૂ. 25.53 કરોડના ખર્ચે બનેલા આ અન્ડરબ્રિજનું વર્ષ 2021માં તત્કાલીન મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ બ્રિજના નિર્માણમાં ક્ષતિઓ હોવાને લઇ શરૂઆતમાં વગર વરસાદે પાણી ભરાતા હતા. ત્યારબાદ ફરી સમારકામ કરી આ પાણી ભરાતા બંધ કરાયા હતા. જોકે, હાલ બ્રિજનાં સુશોભન માટે મુકેલા કુંડા અતિશય જોખમી બન્યા છે.