રાજકોટમાં ઠંડીનાં વાતાવરણમાં મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં મનપાનાં ચોપડે વિવિધ રોગના 1603 જેટલા દર્દીઓ નોંધાયા છે. જોકે આ આંકડા સરકારી હોસ્પિટલનાં છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 5 ગણાથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મનપાનાં અથાગ પ્રયાસો બાદ મચ્છરજન્ય રોગચાળામાં ફરી એકવાર ઉછાળો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
એક સપ્તાહમાં પાંચેક હજાર દર્દીની શક્યતા
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. લાંબા સમય બાદ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1603 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1233 કેસ, ઝાડા-ઉલટીનાં 237 કેસ, સામાન્ય તાવનાં 127 કેસ નોંધાયા છે. તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ 2 અને મેલેરિયાનો 1 કેસ જ્યારે ચિકનગુનિયાનાં 3 કેસ સામે આવ્યા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં પાંચેક હજાર દર્દી સામે આવ્યા હોવાનું નકારી શકાય તેમ નથી.