પેડક રોડ પાસે વૃદ્ધાના ગળામાંથી રૂ.1.60 લાખના ચેઇનની ચીલઝડપ

શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે અઢી માસમાં ચાર ચીલઝડપ કરનાર સગીર સહિત ત્રણ શખ્સને પોલીસે પકડી લીધાના કલાકો બાદ વધુ એક બાઇકસવાર સમડી ઝળકી હતી. પેડક રોડ પર વોકિંગ કરતાં વૃદ્ધાના ગળામાંથી રૂ.1.60 લાખની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી છૂટ્યાની ફરિયાદ થતા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પેડક રોડ પર શિવપુષ્ટિ પાર્કમાં રહેતા વિજયાબેન ચંદુભાઇ દેસાઇ (ઉ.58) શનિવારે રાત્રીના જમીને તેના ઘર પાસે વોકિંગ કરવા નીકળ્યા હતા તે દરમિયાન સેટેલાઇટ ચોક નજીક મારુતિ ચોક પાસે પાછળથી ધસી આવેલી બાઇકસવાર બેલડી પૈકીના પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી રૂ.1.60 લાખની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. બનાવ બાદ વૃદ્ધાએ દેકારો કરતાં વૃદ્ધાના પુત્ર સહિતના પરિવાર પહોંચી જઇ વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ બાઇકસવાર નો કોઇ પત્તો મળ્યો ન હોય જાણ કરતાં બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ગાધે સહિતે વિજયાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી સીસીટીવીના આધારે બાઇકસવાર સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *