ગુરુવારે બ્રિટિશ સંસદીય સમિતિએ દમનકારી દેશોની યાદી બહાર પાડી, જેમાં ભારતનું નામ પણ સામેલ છે. ‘યુકેમાં ટ્રાન્સનેશનલ રિપ્રેશન’ નામની આ યાદીમાં 12 દેશોનો સમાવેશ થાય છે. જેમાં બહેરીન, ચીન, ઈજિપ્ત, ઈરિટ્રિયા, ઈરાન, પાકિસ્તાન, ભારત, રશિયા, રવાન્ડા. સાઉદી અરેબિયા, તુર્કિયે અને યુએઈ સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક વિદેશી સરકારો યુકેમાં રહેતા લોકોને ડરાવવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
સમિતિએ યુકેમાં વિદેશી સરકારોની પ્રવૃત્તિઓને માનવ અધિકારો માટે ખતરો ગણાવ્યો હતો અને બ્રિટિશ સરકાર પાસેથી આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભારતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.
રિપોર્ટમાં ખાલિસ્તાની સંગઠનનો ઉલ્લેખ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી સરકારો દ્વારા બ્રિટનમાં રહેતા લોકોને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે. ભારતના કિસ્સામાં, રિપોર્ટ સાથે પ્રકાશિત પુરાવાઓમાં આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ)નો ઉલ્લેખ છે.
તે ખાલિસ્તાન તરફી સંગઠન છે, જેને ભારત દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ “ગેરકાયદેસર સંગઠન” તરીકે જાહેર કરવામાં આવ્યું છે.