કારમાં 2 નંબર માટે 17 અને 7 માટે 11.22 લાખની બોલી

મનગમતા નંબર લેવા માટે વાહનચાલકો લાખો રૂપિયાની બોલી લગાવતા અચકાતા નથી પછી તે લાખેણી રકમની કાર હોય કે ઓછી રકમનું બાઈક કે મોપેડ હોય. તાજેતરમાં જ રાજકોટ આરટીઓ દ્વારા કાર માટેની નવી સિરીઝ GJ03PJ બહાર પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી એક કાર માલિકે પોતાની નવી કાર માટે 0002 નંબર લેવા માટે ઓનલાઈન ઓક્શનમાં 17 લાખની બોલી લગાવી હતી, આ ઉપરાંત અન્ય એક કાર માલિકે 0007 એટલે કે સત્તો નંબર લેવા માટે 11.22 લાખની બોલી લગાવી હતી.

જે વાહન માલિકોએ પસંદગીના નંબર લેવા માટે લાખો રૂપિયાની બોલી લગાવી છે તેઓએ નિયમ મુજબ પાંચ દિવસમાં રકમ ભરી દેવાની રહે છે. જો વાહન માલિક બોલી લગાવેલી રકમ આ દિવસો દરમિયાન નથી ભરતા તો તેમની ડિપોઝિટની રકમ આરટીઓ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને તે નંબર અન્ય અરજદારને ફાળવવામાં આવે છે. રાજકોટ આરટીઓને કાર સિરીઝમાં માત્ર એક જ નંબરની રૂ.17 લાખની આવક થઇ છે.

આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ GJ03PJમાં કુલ 500થી વધુ અરજદારોની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શનમાં રાજકોટ આરટીઓને એક જ સિરીઝની જંગી આવક થઇ છે. આરટીઓ દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલી કાર માટેના નંબર સિરીઝમાં 500થી વધુ અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી જેમાં સૌથી વધુ 0002 નંબર લેવા માટે એક અરજદારે 17 લાખની બોલી લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *