સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક સિદ્ધિ સામે આવી છે જેમાં જૂડો બાદ હવે વેઇટ લીફટિંગ સ્પર્ધામાં બહેનો ઝળકી છે. જૂડોમાં યુનિવર્સિટીની 2 બહેનો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાય થઈ છે. જ્યારે વેઇટ લીફટિંગમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 900 ખેલાડીઓ વચ્ચે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યુનિવર્સિટી સંલગ્ન કુંડલીયા કોલેજની 3 વેઇટ લિફ્ટર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે સતત બીજા વર્ષે કવોલિફાઈ થઈ છે. હવે આ વિદ્યાર્થિની બહેનોનું ખેલો ઇન્ડિયા સુધી પહોંચ્યા બાદ વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં રમવાનું સ્વપ્ન છે. જેમાંની એક વિદ્યાર્થિની પૂજા પ્રસાદે પિતાની છત્રછાયા ગુમાવી છે અને રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં ભારત દેશ માટે મેડલ લાવવા માંગે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, વેઇટ લિફ્ટિંગ બહેનોની વેસ્ટ સાઉથ ઝોન સ્પર્ધા આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી ખાતે તારીખ 26થી 30 નવેમ્બર દરમિયાન યોજાઇ હતી. જેમાં 200થી વધારે યુનિવર્સિટીમાંથી 1000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધે એવું પર્ફોર્મન્સ કુંડલીયા કોલેજની 3 ખેલાડીઓનું હતું. જેઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમવા માટે ક્વોલિફાઇડ થઈ છે. જેમાં – 71 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પરમાર નયના કેશુભાઈ, -76 કિલોગ્રામ વરાણ ખુશી હેમંતભાઈ અને -87 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પ્રસાદ પૂજા શ્રીકાંતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે પસંદગી પામી છે.