દર વખતે કુદરતી આપત્તિઓ આવે ત્યારે એનિમલ હેલ્પલાઈનની ટીમ પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે તૈયાર જ હોય છે. રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સતત અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનની કર્મયોગી ટીમ દ્વારા હરહંમેશની જેમ જ ચાર દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી 400 થી વધારે અબોલ જીવોનું રેસ્કયુ કરી સારવાર આપવામાં આવી હતી.
અતિભારે વરસાદના પગલે પશુ-પક્ષીઓની પણ કફોડી હાલત થઈ છે. જેના કારણે સંસ્થાના તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર્સ અને સભ્યો છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. આ સાથે પશુ, પક્ષીઓ માટે સારવાર, દવા, ચણ, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જરૂરી લાગતા પશુ-પક્ષીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી એનિમલ હેલ્પલાઈનનાં ચાર વાહનો બગડી પણ ગયા એ છતાં દરેક વિસ્તારમાં જરૂર હોય ત્યાં પશુ, પક્ષીઓને સારવાર પહોચે, એક પણ જીવ સારવારનાં અભાવે એકપણ જીવ તરફડીને મરી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઘણા વિસ્તારોમાં બાઈક લઈને અથવા તો કેટલાક કિલોમીટર ચાલીને પણ પશુ, પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. ગાડીનાં અભાવે ભાડે રીક્ષા રાખીને પણ રેસ્ક્યુ વર્ક ચાલુ રખાયું હતું.