રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતાં વિવિધ સ્ટેશનો ખાતે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM)નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધા દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાઇનમાં ઊભા રહેવું પડતું નથી. માત્ર 180 સેકન્ડમાં સરળતાથી ટિકિટ મળી જાય છે. જોકે મશીન અંદાજે એક વર્ષ પહેલાં મુકાયાં હતાં, પરંતુ આ સુવિધા અંગે મુસાફરોમાં જાગૃતિ ઓછી હોવાથી હાલ રેલવેતંત્ર દ્વારા લોકોને જાગ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરો ઘેરબેઠાં કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે એ માટે UTS એપનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.
AVTMનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ નકશામાંથી ગંતવ્ય સ્ટેશન અથવા ગંતવ્ય સ્ટેશનનું પૂરું નામ લખવાનું હોય છે. ત્યાર બાદ ગાડીનો પ્રકાર અને પ્રવાસની વિગત સિલેક્ટ કરી વૈકલ્પિક ચુકવણી માટેનો વિકલ્પ પસંદ કરતાં જ ચુકવણી કરવા માટે ક્યૂઆર કોડ જોવા મળશે, જેને સ્કેન કરી ચુકવણી કરતાં જ માત્ર 5 સેકન્ડમાં ટિકિટ મળી જાય છે. યુપીઆઈ ઉપરાંત સ્માર્ટકાર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે. આ પ્રક્રિયા માત્ર 180 સેકન્ડમાં પૂર્ણ થતી હોવાથી મુસાફરોને કોઈ લાઈનમાં ઊભા રહી સમય બગાડવો પડતો નથી. માત્ર 3 મિનિટ કરતાં ઓછા સમયમાં ટિકિટ મળી જાય છે.