ઝારખંડના બેરોજગારો 26 ફેબ્રુઆરીના ટ્રેન મારફતે રાજકોટથી પોરબંદર જવા નીકળ્યા હતા!

શહેરના ઢેબર રોડ, અટિકા ફાટક પાસે આવેલા અંબા ખોડિયાર માતાજીના મંદિર નજીક ગુરુવારે સવારે એક અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની 108ની ટીમને જાણ થઇ હતી. ઇજાગ્રસ્ત અજાણ્યા યુવાનને તપાસ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. મોતને ભેટેલા અજાણ્યા યુવાનના માથાના ભાગે કોઇ તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંક્યો હોય તેવી ઇજા જોવા મળતા 108ની ટીમે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પીએસઆઇ એમ.એન.વસાવા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. ત્યારે મૃતક ઝારખંડના બાબુપુર ગામનો સતકામ ચંદ્રા કેવટ (ઉ.વ.45) હોવાનું મૃતકના હમવતનીઓએ જણાવ્યું હતું. મૃતકને ઓળખી બતાવનાર યુવાનોની વધુ પૂછપરછમાં ઝારખંડથી સાત યુવાન રોજીરોટી રળવા ગત તા.26ના ટ્રેન મારફતે પોરબંદર જવા નીકળ્યા હતા. સુરેન્દ્રનગર પહોંચતા જનરલ ડબ્બામાં જગ્યા મળતા બધા અલગ અલગ જગ્યાએ સૂઇ ગયા હતા. ત્યારે ટ્રેન હાપા પહોંચતા સતકામ ડબ્બામાં જોવા મળ્યો ન હતો. તેનો સામાન મળી આવ્યો હતો.

બાદમાં સતકામને શોધતા શોધતા રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં ગુરુવારે સતકામની ભાળ મળી પણ મૃતદેહ સ્વરૂપે. પેટિયું રળવા જઇ રહેલા સાત યુવાનમાં એક સતકામના કાકા પણ હોય સતકામની બીમારી સહિતની દવાઓ ચાલતી હોવાનું વાત કરી હતી, પરંતુ મૃતક ટ્રેનમાંથી ક્યા સ્ટેશને ઉતર્યો હતો, તે બનાવ સ્થળે કેવી રીતે પહોંચ્યો આવા સવાલો વચ્ચે મૃતકને લૂંટના ઇરાદે તો કોઇએ પતાવી નથી દીધોને તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ત્યારે પોલીસે હાલ અપમૃત્યુ નોંધ કરી છે. હત્યાની શંકાએ પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા તપાસવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *