આમતો ગુજરાતમાં દારૂબંધી છે. જોકે, છતાં ગુજરાતના દરેક શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. છાને ખૂણે દારૂ પહોંચાડવા માટે બુટલેગરો કોઈને કોઈ કીમિયો અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતાં હોય છે. રાજકોટમાં પણ કાલાવડ રોડ હાઇ-વે પર દારૂ ભરેલ ટ્રક આવતી હોવાની બાતમીના આધારે મેટોડા GIDC પોલીસે વોચ ગોઠવી મીઠાની આડમાં લાવવામાં આવતો 33.84 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડી કુલ 43.94 લાખનો મુદામાલ કબજે કરી દારૂ મંગાવનાર અમરેલીના શખસ સહિત 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે ટ્રકને અટકાવી
રાજકોટ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલી કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા તમામ સ્ટાફને પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ પર ઘોષ બોલાવવા સૂચના આપી હતી. જેના અનુસંધાને મેટોડા GIDC પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટાટા-1512 જેના નંબર જીજે.36.વી.2060 છે. જેમાં અમરેલીનો મેહુલ ઉર્ફે લાલો રમેશભાઇ ચાવડા મીઠાની પ્લાસ્ટીકની થેલીઓ નીચે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી રાજકોટથી કાલાવાડ તરફ જાય છે. તેવી ચોકકસ અને વિશ્વાસપાત્ર હકિકત મળતા તે બાતમી આધારે પેટ્રોલીંગમાં હતા.
પોલીસે તપાસ કરતા દારૂ મળી આવ્યો
તે દરમિયાન રાજકોટથી કાલાવાડ તરફ જતા હાઇ-વે પર આવેલ પાઠક સ્કૂલ પાસે આવતા એક બંધ બોડીની ટાટા-1512 જેના નંબર જીજે.36.વી.2060 વાળું જોવામાં આવતા તેને અટકાવી તપાસ હાથ દરી હતી. જેમાં પાછળના ભાગે સફેદ કલરની જે.બી.સોલ્ટ લખેલ મીઠા જેવો દેખાતો પદાર્થ ભરેલ પ્લાસ્ટીકની થેલીની નીચે કાળા કલરની તાલપત્રી ઢાંકેલ હતી. જે તાલપત્રી ઉંચકાવી જોતા ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ ભરેલ બોકસો ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાંડના સીલપેક ચપલા નંગ 33,840 જે એક ચપલાની કિંમત રૂપિયા 100 ગણી કુલ કિંમત રૂપિયા 33,84,000 તથા ટાટા-1512ની કિમંત રૂપિયા 10 લાખ તથા બીલ વગરની જે.બી. સોલ્ટ લખેલ મીઠા જેવો દેખાતો પદાર્થ ભરેલ થેલીઓ નંગ 190 તથા કાળા કલરની તાલપત્રી તથા મોબાઇલ ફોન નંગ 3 કિમંત રૂપિયા 10,000 એમ કુલ રૂપિયા 43.94 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.