રાજકોટ શહેર વિસ્તારમાં વધતા જતા મોબાઈલ ફોનની ચીલઝડપના ગુના અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ થોરાળા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચીલઝડપના ગુનામાં સંડોવાયેલ શખસની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીઓએ 59 મોબાઈલ ફોન ચોરી તેમજ ચીલઝડપ કરી મેળવેલ હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ આ મોબાઈલ ફોન અન્યને વેંચી દે તે પૂર્વે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાલીને જતા મજૂરોને રાત્રિના સમયે જ નિશાન બનાવી ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.
બે આરોપીની 59 મોબાઈલ સાથે ધરપકડ
રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન પીઆઇ ભાર્ગવ ઝનકાતએ જણાવ્યું હતું કે, ચીલઝડપના ગુનાને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. જેમાં તાજેતરમાં ચીલઝડપના ગુનાને અંજામ આપનાર બે શખસ મળી આવ્યા હતા. જેની પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ શાહનવાઝ અનવરભાઇ વરીયા અને અમન ઉર્ફે બાયતી જાવીદ કૈપડા જણાવ્યું હતું. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ બન્ને પાસેથી ચોરી તેમજ ચીલઝડપ કરી મેળવેલ કુલ 59 મોબાઈલ મળી આવ્યાં હતા. જેથી પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 59 મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલ બાઇક સહિત કુલ 4.80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.