રાજકોટ મનપા કચેરીમાં દીકરીઓએ મ્યુ. કમિશ્નર સહિતનાં હોદ્દા સંભાળ્યા

આજે દેશભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં દીકરીઓ સંચાલિત વિધાનસભા તેમજ વિવિધ મહાનગરપાલિકાઓમાં દીકરીઓ દ્વારા સંચાલિત જનરલ બોર્ડ અને જિલ્લા પંચાયતોમાં ખાસ તેજસ્વીની પંચાયતો યોજવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ દીકરીઓ દ્વારા સંચાલિત જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દીકરીઓએ મ્યુ. કમિશ્નર, શાસક પક્ષ તેમજ વિપક્ષનાં વિવિધ હોદ્દા સંભાળીને શહેરના વિકાસ અંગે ચર્ચા કરી હતી.

દીકરીઓને પ્રોત્સાહન મળે તેવો આશય
પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીનગરના વિધાનસભાગૃહમાં દીકરીઓને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુકત ઉપક્ર્મે “તેજસ્વિની વિધાનસભા”નું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઉદઘાટક પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન ખાસ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે રાજકોટ જિલ્લામાં પણ બપોરે 12 કલાકે રાજકોટ મહાનગરપાલિકા તથા 1:00 કલાકે જિલ્લા પંચાયત ભવન ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની જનરલ બોર્ડ અને તેજસ્વિની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાલિકા પંચાયત તથા તેજસ્વિની જનરલ બોર્ડમાં દીકરીઓના જ્ન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા મુદાઓ અંગે દીકરીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *