રાજકોટ સહિત રાજ્યભરમાં ઈ – ધરા કેન્દ્રોમાં સર્વર ડાઉનની સમસ્યાને લીધે ખેડૂતો સહિતના ને 7/ 12 કઢાવવામાં મુશ્કેલી પડી રહી છે. રાજકોટમાં ગામડાઓમાંથી આવતા ખેડૂતોને અનેક વખત ધરમ ધક્કો થાય છે તો કેટલીક વખત કલાકો સુધી 7/12 કઢાવવા માટે રાહ જોવી પડે છે. જોકે, છેલ્લા બે દિવસથી રાજકોટમાં ઈ-ધરા કેન્દ્રોમાં સર્વર ડાઉનને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
રાજકોટમા જૂની કલેકટર કચેરીમાં સ્થિત તાલુકાના કેન્દ્રમાં આવેલા કાંગસિયાળીના ખેડૂત જીવરામભાઈએ જણાવ્યું હતું કે, 7/12 કઢાવવા માટે આવ્યો છું પરંતુ, સર્વર ડાઉન છે. કોઈક વખત સર્વર ચાલુ થાય તો તુરંત બંધ થઈ જાય. જેના લીધે બે કલાક સુધી રાહ જોયા બાદ 7/12 નીકળી શક્યો છે. ખેડૂતોને મળતી સહાય માટે 7/12 ખૂબ જ જરૂરી હોય છે પરંતુ, અહીં સર્વર ડાઉનને કારણે મુશ્કેલી ભોગવવી પડે છે.
એડવોકેટ મનીષ પાટડીયાએ જણાવ્યું હતું કે, ઈ-ધરા કેન્દ્રોમાં અવારનવાર કનેક્ટિવિટીના પ્રશ્નો સર્જાય છે. ખેડૂતોને પાક ધિરાણ તેમજ લોન માટે 7/12 કઢાવવાની જરૂર પડે છે પરંતુ, અનેક વખત બબ્બે દિવસ સુધી ઈ – ધરા કેન્દ્રોમાં કનેક્ટિવિટી ન આવતા મુશ્કેલી સર્જાય છે. અભણ ખેડૂતો ગામડેથી અહીં આવે અને 7/12 ન નીકળે તો તેઓને ધક્કો થાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ગાંધીનગરમાં સર્વરને બદલે જિલ્લાવાઇઝ અલગ સર્વર રાખવામાં આવે તે જરૂરી છે.