નિંગાળા સામૂહિક આપઘાત કેસમાં ઘટસ્ફોટ

ગત રાત્રે ગઢડાના નિંગાળા રેલવે નીચે પડતું મૂકી પિતા સહિત ત્રણ સંતાનોએ આત્મહત્યા કરી હતી. મૃતક 4 વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 307 હેઠળ ફરિયાદ અંતર્ગત તેઓ જેલમાંથી 27/12/2023ના રોજ જામીન પર છૂટ્યા બાદ આર્થિક તેમજ માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈનું માનવું છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું નાના સખપર ગામ, જ્યાં એકસાથે પરિવારના 4 સભ્યો દ્વારા સામૂહિક આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે અમદાવાદથી ભાવનગર જતી ટ્રેનમાં મંગાભાઈ વિંઝુડા, જિજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા, સોનલબેન મંગાભાઈ વિંઝુડા, રેખાબેન મંગાભાઈ વિંઝુડાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

મંગાભાઈને તેમના મોટા ભાઈ હીરાભાઈ સાથે 16 ઓગસ્ટ 2023ના રોજ દીવાલની વાડ બાબતે થયેલી બોલાચાલી થઈ હતી. એ અંતર્ગત મંગાભાઈએ અને તેમના પુત્ર તેમજ 2 દીકરીએ મારામારી કરી હીરાભાઈને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. એ અંતર્ગત ગઢડા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.કલમ 307 હેઠળ આ 4 લોકો વિરુદ્ધ હીરાભાઈની પત્નીએ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં મંગાભાઈ તેમજ તેમના દીકરા જિજ્ઞેશ તેમજ બે દીકરી સોનલબેન તેમજ રાધિકાબેનની ધરપકડ કરી તેમને જેલહવાલે કરવામાં આવ્યાં હતાં.

આશરે 3.5 મહિના જેટલા જેલવાસ બાદ 27 ડિસેમ્બર 2023ના રોજ મંગાભાઈ સહિત દીકરા અને દીકરી મળી ચારેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. મૃતકના ભાઈ કનુભાઈ દ્વારા પોલીસને કરાયેલી જાણ મુજબ, આર્થિક સંકડામણ તેમજ માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોઈ તેમના ભાઈ તેમજ સંતાનો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું ગઢડાના પીઆઈ મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગત રાત્રે 4 લોકોએ નિંગાળા રેલવે સ્ટેશન ખાતે સામૂહિક આપઘાત કર્યો હતો, જેમાં ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે જઈ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. એમાં પ્રાથમિક વિગતો અનુસાર, મરણ જનાર મંગાભાઈ અને તેમનાં ત્રણ સંતાનો નાના સખપર ગામનાં રહેવાસી છે. તેમની સામે 16/8/2023ના રોજ તેમના ભાઈ સાથે મારામારી અંગેનો IPC 307 મુજબનો ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત ચારેય આરોપીઓ જેલમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *