રાજકોટ મહાનગરપાલિકાના 350 જેટલા કર્મચારીઓએ આજે પોતાની 35 માગણીઓને લઈને કોર્પોરેશન કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સૌપ્રથમ કર્મચારીઓએ રામધૂન બોલાવી હતી અને બાદમાં મનપાના નાયબ કમિશનરને રજૂઆત કરવા પહોંચતા પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. આથી કર્મચારીઓ અને પોલીસ ઝપાઝપી થઈ હતી. બાદમાં રજૂઆત કરવા દેવામાં ન આવતા તમામ કર્મચારીઓએ કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગની કચેરીમાં તાળાબંધી કરતા કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કર્મચારીઓની સમસ્યા સાંભળવા માટે આગેવાનોને બોલાવ્યા હતા. પરંતુ એ વખતે કર્મચારીઓને કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વખતે કમિશનરે કહ્યું કે, તમે કોઈ પણ કામ સમયસર કરો છો? ત્યારે કર્મચારીઓના આગેવાને કહ્યું કે, માગણીઓને લઈને શું અમારે હાથ-પગ જોડવાના? મ્યુનિસિપલ કમિશનર સાથેની મંત્રણા નિષ્ફળ જતા કર્મચારીઓ ફરી મહાનગરપાલિકાના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી.