લોકસભાની ચૂંટણી પૂર્વેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટ સહિત રાજ્યભરના નાયબ ચૂંટણી અધિકારીની તાલીમનો એક કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી વિવિધ તાલીમો ચૂંટણીપંચના અધિકારીએ આપી હતી. ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં હવે રાજકોટ સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સૌપ્રથમવાર તમામ બૂથોનું વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે રાજકોટ જિલ્લાના 2,293 સહિત રાજ્યના 51,000થી વધુ મતદાન મથકોનું લોકસભાની ચૂંટણીમાં વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલ છે.
વેબકાસ્ટિંગ કરવાના નિર્ણયથી ખાસ કરીને બૂથ કેપ્ચરિંગ, માથાકૂટો, મતદાનમાં ગોટાળા સહિતની બાબતો અટકશે. ગાંધીનગરમાં મિટિંગ દરમિયાન લોકસભાની ચૂંટણીને લઈને ઝોનલ રૂટ વિવિધ કમિટી, મતદાન મથક, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ચૂંટણી સ્ટાફ ડેટા એન્ટ્રી સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમુક બૂથોમાં 1500થી વધુ મતદારો થાય છે. આવા બૂથો ઉપર કામચલાઉ બૂથો પણ બનાવાશે.
ચૂંટણીલક્ષી બાબતોની માહિતી આપવાની રહેશે
આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અનુસંધાને રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરોને તેના જિલ્લાનો ઈલેક્શન મેનેજમેન્ટ પ્લાન આગામી તા.20 સુધીમાં બનાવી ચૂંટણીપંચને મોકલી આપવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્લાનમાં ખાસ કરીને મતદાન મથકોની સંખ્યા ચૂંટણી સ્ટાફની જરૂરિયાત, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ 45 જેટલા મતદાન મથકોની યાદી, રિસિવિંગ ડિસ્પેચીંગ સેન્ટર સહિતની ચૂંટણીલક્ષી બાબતોની માહિતી આપવાની રહેશે.