સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ પહેલીવાર કિશોરોના અકાઉન્ટ માટે પેરેન્ટલ કંટ્રોલ ફીચર લાવવાનું શરૂ કર્યું છે. આથી માતા-પિતા અથવા ગાર્જિયન બાળકોના અકાઉન્ટ પર નજર રાખી શકશે અને કેટલીક મર્યાદાઓ નક્કી કરી શકશે, જ્યારે અકાઉન્ટની માલિકી કિશોર પાસે જ રહેશે.
આ નવા ફીચરથી માતા-પિતા જોઈ શકશે કે બાળક X પર કેટલો સમય વિતાવી રહ્યું છે, રોજની સમય મર્યાદા નક્કી કરી શકશે, નવા ફોલોઅર્સ માટે પોતાની મંજૂરી જરૂરી બનાવી શકશે અને ‘For You’ ફીડને માત્ર તે અકાઉન્ટ્સ સુધી મર્યાદિત કરી શકશે, જેને બાળક પહેલેથી ફોલો કરે છે.
અકાઉન્ટ જોડવાની સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
એક માતા-પિતા અથવા ગાર્જિયન વધુમાં વધુ 5 કિશોરોના અકાઉન્ટ સંભાળી શકશે, જ્યારે એક કિશોરનું અકાઉન્ટ એક સમયે માત્ર એક માતા-પિતા અથવા ગાર્જિયન સાથે જ જોડાઈ શકશે. આ સુવિધા ત્યારે જ શરૂ થશે જ્યારે કિશોર અને માતા-પિતા અથવા ગાર્જિયન બંને સંમત થશે.
કિશોર પુખ્ત વયનો થતાં જ આ દેખરેખ આપમેળે દૂર થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ પારદર્શક છે અને પરિવાર સાથે આગળ વધે છે.
ગ્રોક ડીપફેક અને કાનૂની વિવાદો વચ્ચે નિર્ણય લેવાયો
આ પેરેન્ટલ કંટ્રોલ ફીચર એવા સમયે આવ્યું છે, જ્યારે Xના AI ટૂલ ગ્રોકને લઈને ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં ઓરેગન અને વર્જિનિયાએ ગ્રોક સાથે જોડાયેલા પોર્ન ડીપફેક કેસમાં સ્પેસએક્સ સામે કેસ દાખલ કર્યો હતો.
વર્જિનિયાની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ઈલોન મસ્કે AI દ્વારા બનાવવામાં આવતા વાંધાજનક ડીપફેક અંગે વધતી ચિંતાઓને જાણીજોઈને અવગણી હતી અને ગ્રોકની નબળી સુરક્ષાને ખામીના બદલે ફીચર તરીકે રજૂ કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં પણ 3 કિશોરોએ xAI સામે કેસ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ‘સ્પાઇસી મોડ’ આવ્યા બાદ ગ્રોકે બાળકો સાથે જોડાયેલું વાંધાજનક કન્ટેન્ટ શેર કર્યું હતું અને મહિલાઓ તથા સગીરોની વાંધાજનક તસવીરો બનાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.