અમેરિકામાં વાવાઝોડાને કારણે 6,000 ફ્લાઇટ્સ લેટ, 150 રદ

અમેરિકામાં થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન ખરાબ હવામાન અને વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારે આવેલા વાવાઝોડાને કારણે બુધવારે 6,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. સાથે જ લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

વાવાઝોડાને કારણે સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાંથી ઘણા તટીય વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. કેલિફોર્નિયા જેવા રાજ્યો પૂરનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.

બીજી તરફ, મિયામી એરપોર્ટ પર એક કાર્ગો વિમાન રનવેથી આગળ નીકળી ગયું, જેના પગલે થોડા સમય માટે વિમાનોની અવરજવર રોકવી પડી. મિયામી એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ભારે વરસાદ દરમિયાન ઉતરી રહ્યું હતું.

અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર ખરાબ હવામાનને કારણે લાખો લોકોની મુસાફરીને અસર થઈ રહી છે. થેંક્સગિવિંગ અમેરિકાનો મોટો તહેવાર છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે બીજા શહેરોમાં જાય છે. આવી સ્થિતિમાં ફલાઈટમાં વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ચેતવણી આપી છે કે થેંક્સગિવિંગના દિવસે પણ ઉત્તર-પૂર્વી અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ઉડાનો પર અસર પડી શકે છે. એક ટ્રાવેલ વેબસાઇટ અનુસાર, આ દરમિયાન એટલાન્ટા એરપોર્ટ સૌથી વધુ વ્યસ્ત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *