‘પંચાયત’ વેબ સિરીઝના કલાકારો મધ્યપ્રદેશના સેહોર જિલ્લાના મહોડિયા ગામે પહોંચ્યા હતા. લોકપ્રિય સિરીઝના મુખ્ય કલાકારોની હાજરીથી આ આયોજન ખાસ બની ગયું.
સિરીઝમાં સચિવજીની ભૂમિકા ભજવનાર જિતેન્દ્ર કુમાર, પ્રધાનજીની ભૂમિકા ભજવનાર રઘુબીર યાદવ, નીના ગુપ્તા અને રિંકીની ભૂમિકા ભજવનારી સાન્વિકા સહિત સિરીઝના અનેક મુખ્ય કલાકારો સામેલ થયા.
એક્ટર રઘુબીર યાદવે ગામ અને શહેરના જીવનની તુલના કરતાં કહ્યું કે, આજે પણ શહેરોની સરખામણીએ ગામડાંઓમાં વધુ ખુશી અને શાંતિ છે. શહેરોની ભાગદોડથી દૂર ગામડાની સહજતા અને સરળતા જ લોકોને પોતાની તરફ આકર્ષે છે. તેમણે કહ્યું કે, ‘પંચાયત’ સિરીઝ પછી તેઓ વિદેશોમાં પણ ગયા, જ્યાં લોકોએ તેમને કહ્યું કે સિરીઝ જોઈને ફરી ગામડામાં પાછા ફરવાનું મન થાય છે.
એક્ટ્રેસ નીના ગુપ્તાએ મહિલા પાત્રો અને સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું કે, આજે પણ મહિલાઓની જવાબદારીઓ મોટા ભાગે ઘર અને પરિવાર સુધી જ સીમિત છે. બાળકો મોટાં થઈ ગયા પછી પણ તેમની પાસેથી સાસુ-સસરાની સેવા, ઘર સંભાળવા અને ભોજન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, પાત્રો સમાજ અને વાસ્તવિક જીવનમાંથી જ ઊભરી આવે છે. જ્યાં સુધી મહિલાઓની સામાજિક સ્થિતિમાં બદલાવ નહીં આવે, ત્યાં સુધી તેમના માટે નવા પ્રકારનાં પાત્રોની શક્યતાઓ પણ સીમિત રહેશે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે બદલાવની શરૂઆત થઈ ચૂકી છે અને આ સારી વાત છે.