PGVCLએ યુનિટ દીઠ 15 પૈસા, 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકા ભાવવધારો ઝીંક્યો; કોંગ્રેસ લોકો સાથે વિરોધ કરશે

ગુજરાતમાં 1.76 કરોડ વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો અને 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો એરિયર્સ સ્વરૂપે ભાવવધારો ઝીંકી દેવામાં આવતા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા PGVCLના વીજ બીલમાં એરિયર્સ સ્વરૂપે નાણા વસૂલવાનું શરૂ કરાયું છે. જેનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં વીજ ગ્રાહકોને સાથે રાખી PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવાની સાથે પ્રદેશ કક્ષાએ પણ સરકારનો વિરોધ કરાશે.

સમગ્ર દેશ અને રાજ્યમાં મોંઘવારીના માર વચ્ચે વીજ ગ્રાહકો પર વધારાના ચાર્જીસ ઝીંકીને ‘પડયા પર પાટું’ મારવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, એક તરફ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ભાજપ સરકાર અને PGVCL દ્વારા વીજ વપરાશકારોના ખિસ્સામાંથી નાણાં ખંખેરવાની કામગીરી થઈ રહી છે.

વીજ બિલમાં વધારાના ચાર્જીસનો આક્ષેપ
PGVCLના બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો અને ઉપરાંત એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર અગાઉ 0 % હતા. જોકે તેના પર હવે 3.99%નો વધારો કરાયો છે.

જુલાઈ પહેલાંના, જાન્યુઆરીના અને અત્યારના બિલોની સરખામણી કરવાથી ગ્રાહકોને આ વધારાનો ખ્યાલ આવી શકે તેમ છે. સામાન્ય વ્યક્તિ કામકાજની વ્યસ્તતાને કારણે બિલનું વિશ્લેષણ કર્યા વગર ઓનલાઈન કે ઓફલાઈન ભરપાઈ કરી દે છે, જેનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *