રંગીલા રાજકોટિયનો સ્વાદના શોખીન ગણાય છે. ત્યારે મનપા દ્વારા લોકોને વધુ એક નજરાણું ભેટ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં વિકસતા વિસ્તારોમાં લોકોને એક જ સ્થળે સ્વચ્છ, સુઘડ અને આધુનિક સુવિધા સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા મળી રહે તેવા આશયથી વધુ એક મોર્ડન ફૂડ કોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
હાલમાં શહેરના અમીન માર્ગ અને દોઢસો ફૂટ રિંગરોડના કોર્નર પર કાર્યરત અત્યાધુનિક ફૂડ કોર્ટની સફળતા બાદ હવે તંત્રએ પુષ્કરધામ મેઈન રોડ પર આ પ્રકારનું આકર્ષક ફૂડ કોર્ટ ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. મનપાને ચુકવવાના પ્રિમિયમ પેટે અપસેટ પ્રાઇઝ વાર્ષિક રૂ.21 લાખ લેખે ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે.
ટેન્ડર જાહેર, વાર્ષિક પ્રિમિયમની અપસેટ પ્રાઈઝ 21 લાખ નક્કી
મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટ થકી કાયમી અને મોટી આવક ઊભી થાય તે માટે ચોક્કસ આર્થિક માળખું પણ ઘડવામાં આવ્યું છે. આ ફૂડ કોર્ટના સંચાલન માટે મનપા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, જેમાં વાર્ષિક પ્રિમિયમની અપસેટ પ્રાઈઝ રૂ. 21 લાખ નક્કી કરવામાં આવી છે. એટલે કે, કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ મહાનગરપાલિકાને પ્રિમિયમ પેટે ચૂકવવાના રહેશે. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો માટે મનપા દ્વારા જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ટેન્ડર ભરવાની છેલ્લી મુદત તારીખ 28મી રાખવામાં આવી છે.
આ નવા ફૂડ કોર્ટમાં આકર્ષક ડોમની સહિતની સુવિધા
આ ઉપરાંત, ટેન્ડર ભરવા માટેની જરૂરી ડિપોઝિટની રકમ, લાયકાતના ધોરણો તેમજ અન્ય તમામ નિયમો અને શરતો રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ નવા પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે અમીન માર્ગ કોર્નર પર આવેલા ફૂડ કોર્ટની તર્જ પર જ તૈયાર કરવામાં આવશે. પુષ્કરધામ મેઈન રોડ પર બનનાર આ નવા ફૂડ કોર્ટમાં આકર્ષક ડોમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના કારણે દરેક ઋતુમાં મુલાકાતીઓ અને ખાણીપીણીના શોખીનો આરામથી બેસીને ભોજનનો આનંદ માણી શકશે.
ફૂડ કોર્ટને 7 વર્ષ માટે કોન્ટ્રાક્ટથી ફાળવાશે
આ ફૂડ કોર્ટના સંચાલન અને વ્યવસ્થાપન માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે. અમીન માર્ગ કોર્નરના ફૂડ કોર્ટની જેમ જ પુષ્કરધામ રોડ પરના ફૂડ કોર્ટ માટે પણ કુલ સાત વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. જોકે, આ સાત વર્ષનો કોન્ટ્રાક્ટ એકસાથે આપવાને બદલે અલગ-અલગ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે ત્રણ વર્ષ માટે, ત્યારબાદ કામગીરીની સમીક્ષા પછી બીજા બે વર્ષ માટે અને અંતે વધુ બે વર્ષ માટે એમ તબક્કાવાર કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.