રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડના ઘા હજુ શહેરીજનોના મનમાંથી ભૂંસાયા નથી, ત્યારે રાજકોટમાં આગની સુરક્ષા વ્યવસ્થા અંગે અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરના વિવિધ વોર્ડમાં છેલ્લા 8 મહિના દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં એક-બે નહીં, પરંતુ અધધ 2,374 ઇમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું ખુલ્યું છે. આ તમામ મિલકતોના સંચાલકોને રાજકોટ મહાપાલિકા (RMC) દ્વારા નોટિસ ફટકારીને તાકીદ કરવામાં આવી છે. બીજીતરફ 64 સ્થળોની એનઓસી પૂરી છતાં રીન્યુ કરાવવામાં બિલ્ડીંગ ધારકો આળસ રાખતા હોવાનું પણ ખુલ્યું છે.
જનરલ બોર્ડમાં પૂછાયેલા સવાલથી ખુલી પોલ
શહેરની સુરક્ષા વ્યવસ્થાની આ વાસ્તવિકતા હાલમાં જ મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં સપાટી પર આવી હતી. વોર્ડ નં. 17 ના ભાજપના નગરસેવક કૌશિક ટાંકે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં કેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાયો અને તંત્રએ શું પગલાં લીધાં, તે અંગે સત્તાવાર વિગતો માંગી હતી. તેના જવાબમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે આ ગંભીર આંકડાકીય ચિત્ર રજૂ કર્યું હતું.
છેલ્લા 8 મહિનાની કામગીરીના આંકડા દર્શાવે છે કે 50 થી વધુ લોકો એકત્ર થતા હોય તેવી ઇમારતો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આમ છતાં, 8 મહિનાના ગાળામાં માત્ર 255 પ્રિમાઇસીસને જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળી શક્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે 50 થી વધુ લોકોની અવરજવર ધરાવતી 62 ઇમારતો એવી મળી આવી છે, જેમની ફાયર એનઓસીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જવાબદારોએ તેને રિન્યુ કરાવવાની દરકાર સુદ્ધાં કરી નથી.