PM મોદીએ કહ્યું- નેપાળ વિના અમારા ધામ અને રામ અધૂરા

પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે નેપાળ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે 15 હજાર કરોડ ભારતીય રૂપિયાની મદદની જાહેરાત કરી. બાલેન શાહની ભારતની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતને બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતીક ગણાવતા મોદીએ સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને આસ્થાનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ અને માતા સીતા ભારત-નેપાળની સહિયારી સભ્યતાના પ્રતીક છે. 2018ની જનકપુર યાત્રાને યાદ કરતાં મોદીએ કહ્યું કે નેપાળ વિના અમારા ધામ અને અમારા રામ પણ અધૂરા છે.

પીએમ મોદીએ નેપાળમાં આવેલી પૂર હોનારતમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ, પીએમ મોદીએ નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયા (15 હજાર કરોડ ભારતીય રૂપિયા)ના વિકાસ પેકેજની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત-નેપાળના સંબંધો સહિયારા ઇતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ગાઢ જોડાણથી બંધાયેલા છે.

નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ આપવાની વાત કરી. તેમણે કહ્યું કે નેપાળ અને ભારતના સંબંધો હિમાલય જેવા મજબૂત અને સમુદ્ર જેવા વિશાળ છે. બંને દેશોના લોકો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે નેપાળમાં રોકાણ કરવા માટે ભારતીય રોકાણકારોનું સ્વાગત કર્યું.

નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતના બીજા દિવસે દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. આ દરમિયાન રેડ કાર્પેટ પાથરવામાં આવી અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. સવારે નેપાળના PM બાલેન શાહ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *