રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસ સેવામાં એજન્સીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકીના પ્રશ્નના સત્તાવાર જવાબ મુજબ, વર્ષ 2026માં નિયમભંગ બદલ બસ સંચાલન અને મેનપાવર પૂરું પાડતી પાંચ એજન્સીઓને રૂ. 4.57 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત, વાહનોમાંથી અનધિકૃત GPS મળી આવતા ટિકિટ ચેકિંગ કરતી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.
પાંચ એજન્સીઓને રૂ. 4.57 કરોડથી વધુનો દંડ
દંડની આંકડાકીય વિગતો મુજબ, જાન્યુઆરીથી 12 નવેમ્બર, 2026 સુધીમાં 100 ઇલેક્ટ્રિક બસનું સંચાલન કરતી મે. વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા.લી.ને રૂ. 2,19,50,576નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 100 સીએનજી બસ અને કંડક્ટર સહિતનું સંચાલન કરતી મારુતિ ટ્રાવેલ્સને રૂ. 1,48,98,401નો દંડ થયો છે. તેવી જ રીતે 50 ઇલેક્ટ્રિક બસ ચલાવતી મે. નારાયણ સિટી બસ ઓપરેશન પ્રા.લી.ને રૂ. 66,37,500, ઇલેક્ટ્રિક બસમાં મેનપાવર પૂરું પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સીને રૂ. 17,58,000 અને જે.કે. સિક્યુરિટી એન્ડ કન્સલ્ટન્સીને રૂ. 4,58,600નો દંડ કરવામાં આવ્યો છે.
દંડના મુખ્ય કારણોમાં બસોની અપૂરતી સફાઈ, લાઇટ અને મીટરમાં ખામી, ડ્રાઇવર દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ, નિયત સ્ટોપ પર બસ ન રોકવી, બસ બ્રેકડાઉન થવી, નિર્ધારિત સંખ્યા કરતાં ઓછી બસ દોડાવવી, ડ્રાઇવરની એકથી વધુ શિફ્ટમાં કામગીરી, સમયસર બસ શરૂ ન કરવી, સીટબેલ્ટ ન પહેરવો, બેફામ ડ્રાઇવિંગ, મુસાફરો અને સ્ટાફ સાથે ગેરવર્તન, યુનિફોર્મ અને ઓળખકાર્ડનો અભાવ, ટિકિટ ન આપવી, કંડક્ટરની ગેરહાજરી તેમજ ટિકિટ મશીનને નુકસાન જેવી બાબતોનો સમાવેશ થાય છે.