રાજકોટ જિલ્લા કોંગ્રેસની બેઠકમાં કોળી અગ્રણી અવસર નાકિયાનો હુંકાર

આગામી 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સૌરાષ્ટ્રના રાજકીય અને આર્થિક પાટનગર ગણાતા રાજકોટની નાગર બોર્ડિંગમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ ટ્રેનિંગ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જસદણ વિસ્તારના કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અવસર નાકિયાએ સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કરતા જણાવ્યું કે, ‘કોંગ્રેસ ટિકિટ આપશે તો સામે આવનાર ગમે તેને ભરી પીશું’. આ સાથે જ કુંવરજી બાવળિયા વિશે કહ્યું કે, કોંગ્રેસમાં હતા ભ્રષ્ટાચારને લઈને પત્ર લખતા રહેતા હતા, હવે ભાજપમાં ગયા પછી ભ્રષ્ટાચાર દેકાતો નથી. જોકે, આ જિલ્લા કોંગ્રેસનો ચૂંટણીલક્ષી પ્રથમ કાર્યક્રમ હોવા છતાં હોદ્દેદારોની પાંખી હાજરીને લઈને ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

ટિકિટ મળશે તો બાવળિયા પિતા-પુત્રને ભરી પીવાનો નાકિયાનો પડકાર
અવસર નાકિયાએ કુંવરજી બાવળિયા અને ભાજપને પડકાર ફેંકતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાને હોય, પરંતુ અંતિમ નિર્ણય પક્ષ નક્કી કરતો હોય છે. જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયાને ભરી પીશું. જસદણ-વિંછીયા (72 વિધાનસભા) બેઠક પર 2027માં કોંગ્રેસની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ત્યાંની પ્રજાએ હવે ભાજપને હરાવવા અને કોંગ્રેસને લાવવાનું નક્કી કરી લીધું છે.

કુંવરજી બાવળિયાના પુત્ર ડો. મનીષ બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાને લઈને પણ અવસર નાકિયાએ સીધો પડકાર ફેંક્યો હતો. આ અંગે કહ્યું કે, કુંવરજીભાઈ પોતાના દીકરાને મેદાનમાં ઉતારે કે બીજા કોઈ પણને ઉતારે, અમે તેમને ભરી પીશું. અગાઉ તેમણે દીકરી ભાવનાબેનને અજમાવી લીધા બાદ ખબર પડી ગઈ છે કે ઘરે-ઘરે ટિકિટ ન રખાય. સ્થાનિક પ્રજા માને છે કે જો તેમના ઘરમાં કોઈને ટિકિટ અપાશે તો મતદાન થશે નહીં. તેમના દીકરાની વાત ચાલતી હોય તો એકવાર મેદાનમાં ઉતારીને જુએ તો ખબર પડે કે કેટલા વોટ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *