રાજકોટના વીંછીયામાંથી ઝડપાઈ ગાંજાની ખેતી

રાજકોટ જિલ્લામાંથી વધુ એક ગાંજાની ખેતી ઝડપાઈ. જેમાં વીંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા ખેડૂત સવશી મીઠાપરાએ આર્થિક ભીંસ દૂર કરવા માટે 5 વીઘા જમીન પર તુવેર અને મકાઈની આડમાં ગાંજાનું વાવેતર કરી દીધું હતું. ગ્રામ્ય SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા 250 ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેનો વજન 700 કિલોથી વધુ હોવાનું સામે આવતા પોલીસે FSL તેમજ સરકારી પંચોને સાથે રાખી ₹ 3.52 કરોડથી વધુ કિંમતના ગાંજાના જથ્થા સાથે આરોપી ખેડૂતની ધરપકડ કરી હતી. બીજ ક્યાંથી લાવ્યો હતો અને ગાંજો કોને કોને વહેંચતો હતો એ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી.

તુવેર અને મકાઈની આડમાં ગાંજાનું વાવેતર
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, વીંછીયા તાલુકાના છાસીયા ગામે ઝરડા સીમ વિસ્તારમાં ખેડૂત સવશી મીઠાપરાએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે, જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા તુવેર અને મકાઈની આડમાં વાવેતર કરેલા સૂકા-લીલા 250 છોડ મળી આવ્યા હતા. જે ગાંજાના છોડ હોવાનું FSL તપાસમાં સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રૂપિયા 3.52 કરોડથી વધુ કિંમતનો 705.490 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી ખેડૂત દ્વારા ચાલુ વર્ષથી આ ગાંજાની ખેતી શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી ગાંજાનું બીજ ક્યાંથી લાવ્યો હોવાનું તેમજ કોને કોને ગાંજો વેચાણ કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જસદણ અને વીંછીયા વિસ્તારમાં અગાઉ પણ ગાંજાની ખેતી ઝડપાઈ ચુકી હોવાથી પોલીસ દ્વારા ખેતરો ચેક કરવા માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *