વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ મંદિર ખાતે બન્નેએ સાથે મળી નિવૃત શાસનાધિકારીને ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે કહી પૂર્વઆયોજિત કાવતરૂ રચી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા રૂ.1.25 કરોડ મેળવી લઇ આજ દિવસ સુધી પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે જેને લઇ રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી, સુરતના લાલજીભાઈ બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિવૃત શાસનાધિકારીએ નોંધાવી ફરિયાદ
ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લઘરભાઈ વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ હું વર્ષ 2004-05મા મોરબી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા નોકરી કરતો હતો. ત્યારે હું રાજકોટથી મોરબી અપડાઉન કરતો હતો. આ સમયે મારી સાથે બસમા ભાવેશભાઈ પરમાર નામના વ્યક્તિ અપડાઉન કરતા હતા. ભાવેશભાઇ મોરબી નાની બજાર ખાતે કાપડની દુકાન ચલાવતા હતા. તેઓ મિત્ર હોવાથી દુકાને બેસવા જતો હતો. ત્યાં ચિંતનભાઇ અશ્વિનભાઈ પરમાર પણ બેસવા આવતા હતા. તેમની સાથે ભાવેશભાઇએ મારો પરિચય કરાવ્યો હતો. ચિંતનભાઇ જમીન મકાન દલાલીનુ કામ કરતા હતા.