રાજકોટના ઘંટેશ્વર SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા 55 વર્ષીય ASI નરેન્દ્રસિંહ જાડેજાએ બે બાળકીને ન્યૂડ વીડિયો બતાવી તેની સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં આરોપી દ્વારા પોલીસ પરિવારની જ બે 8 વર્ષની બાળકીઓને ક્લોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઈ જઈ બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ SRPમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે. જ્યારે તેમના વિરુદ્ધ બીજી પોલીસ ફરિયાદ પણ SRPમાં ફરજ બજાવતા પોલીસ પરિવારની 8 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા અંગે નોંધાતા પોક્સો એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી ઘંટેશ્વર SRP કેમ્પના કમાન્ડન્ટને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.