ગુજરાતના 148 બિનહથિયારી PIની કુંડળી તૈયાર કરવા પોલીસ તંત્રને આદેશ

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2ના અધિકારીઓની સામે ચાલી રહેલી તપાસ, કોર્ટ કેસ અને ખાતાકીય કાર્યવાહીની વિગતો એકત્રિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકની કચેરીના વહીવટી વિભાગ દ્વારા આ અંગે રાજ્યના વિવિધ પોલીસ કમિશનરો, રેન્જ IG, જિલ્લા પોલીસ વડાઓ અને સંબંધિત વિભાગોને પત્ર પાઠવી તાત્કાલિક માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે.

148 બિનહથિયારી PIની પેન્ડિંગ તપાસની વિગતો
મળતી માહિતી મુજબ, આ કામગીરી અંતર્ગત કુલ 148 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2ના અધિકારીઓની યાદીના આધારે વિગતો તૈયાર કરવાની રહેશે. આ અધિકારીઓ સામે 30 માર્ચ, 2026ની સ્થિતિએ કોઈ ગુનાહિત તપાસ, કોર્ટ કેસ, ખાતાકીય તપાસ કે શિસ્તભંગની કાર્યવાહી પેન્ડિંગ હોય તો તેની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે.

પોલીસ વડાની કચેરીએ તમામ સંબંધિત કચેરીઓને 18 નવેમ્બર, 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં આધાર-પુરાવા સાથે સંપૂર્ણ માહિતી મોકલવા જણાવ્યું છે. આ માહિતી નિર્ધારિત ઈ-મેઇલ આઈડી પર સોફ્ટ કોપી અને હાર્ડ કોપી (PDF) સ્વરૂપે મોકલવા જણાવવામાં આવ્યું છે.

ચકાસણી બાદ જ વિગતો મોકલવી
પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, માહિતી એકત્રિત કરીને તેની ચકાસણી કર્યા બાદ જ મોકલવાની રહેશે. જો કોઈ અધિકારીની તાજેતરમાં જ બદલી થઈ હોય તો સંબંધિત કચેરી પાસેથી માહિતી મેળવી તાત્કાલિક પૂરી પાડવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *