ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલા આશરે 350 વર્ષ જૂના શ્રી મહાલક્ષ્મી મંદિરના જીર્ણોદ્ધારને એક વર્ષ પૂર્ણ થયું. આ નિમિત્તે ધનતેરસે મંદિરમાં મહાઆરતી યોજાઈ હતી.મંદિરમાં ધનતેરસે સાવરણી, આખા ધાણા અને મીઠું ચડાવવાની વર્ષો જૂની પરંપરા છે. આ વસ્તુઓને શ્રદ્ધા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દર્શન અને પૂજન માટે વહેલી સવારથી ભક્તો મંદિરે પહોંચ્યા હતા.
જીર્ણોદ્ધારને એક વર્ષ પૂર્ણ થતાં સાંજે યોજાયેલી મહાઆરતીમાં રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ નગરપતિ અશોકભાઈ પીપળીયા અને ભાવનાબેન રૈયાણી સામેલ હતાં.
નગરપાલિકાના ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ મોહિતભાઈ પાંભર, શહેર ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર, બીપીનભાઈ નિમાવત, ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને સમીરભાઈ કોટડીયા પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો મહાઆરતીમાં જોડાયા હતા.મહાઆરતી પછી ભક્તોએ માતાજીનું કમળથી પૂજન કર્યું હતું.