તહેવારોની ઉજવણીમાં સેવા અને ગૌભક્તિનો સમન્વય જોવા મળે તો તે સમાજ માટે પ્રેરણારૂપ બને છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ‘માધવ ગૌસેવા’ દ્વારા આવો જ એક અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. દિવાળીના પર્વ નિમિત્તે સંસ્થા દ્વારા ફટાકડાના વેચાણનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ માત્ર વેપાર કરવાનો નહીં, પરંતુ તેના થકી ગૌશાળાઓને આર્થિક સહાય પૂરી પાડવા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો છે.
સાડા છ વીઘામાં ફટાકડાનું વિશાળ વેચાણ કેન્દ્ર
ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા માધવ વિહાર ખાતે સાડા છ વીઘાની વિશાળ જગ્યામાં ફટાકડાનું વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. અહીં ગ્રાહકોની સુવિધા માટે પ્રવેશદ્વાર પર પ્લાસ્ટિકનું કેરેટ આપવામાં આવે છે, જેમાં તેઓ પોતાની પસંદગીના ફટાકડા મૂકી શકે છે. ભીડનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે વન-વે સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. એક ગેટથી પ્રવેશ અને બીજા ગેટથી બહાર નીકળવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
453થી વધુ વેરાયટીઓ, ગુજરાતભરમાંથી આવે છે ગ્રાહકો
આ વેચાણ કેન્દ્રમાં બાળકો અને મોટાઓ માટે 453થી વધુ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ફટાકડાની વિવિધ વેરાયટીઓના કારણે ગ્રાહકોને પોતાની પસંદગી પ્રમાણે ખરીદી કરવાની તક મળે છે. રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ-ભુજ, કડી-કલોલ અને અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી હજારો લોકો અહીં ખરીદી કરવા આવી રહ્યા છે. ગ્રાહકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખરીદી દરમિયાન ભીડનું નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે.