E20 પેટ્રોલમાં 31.2% સુધી ઇથેનોલ મિશ્રિત

કર્ણાટક સરકારે તેલ કંપનીઓ પર પેટ્રોલમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવવાનો આરોપ લગાવ્યો છે. નિયમ મુજબ E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ હોવું જોઈએ, પરંતુ લેબ તપાસમાં તે 31.2% સુધી હોવાનું જાણવા મળ્યું.

કર્ણાટક સરકારનું કહેવું છે કે આ ભેળસેળથી વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને જાળવણીનો ખર્ચ વધી રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે વાહનોને થયેલા નુકસાનની ભરપાઈ માટે એક વિશેષ વળતર ભંડોળ બનાવવું જોઈએ.

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે રાજ્ય સરકારે ઇન્ડિયન ઑઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, નયારા અને શેલ જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પરથી 63 નમૂનાઓ એકત્ર કર્યા.

શરૂઆતમાં તેલ કંપનીઓની પોતાની લેબોરેટરીમાંથી ઇથેનોલની યોગ્ય માત્રા અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો, જેના કારણે ગેરરીતિની શંકા ઊભી થઈ.

ત્યારબાદ સરકારે બેંગલુરુની ISO અને NABLથી માન્યતા પ્રાપ્ત ખાનગી લેબ ‘શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં તપાસ કરાવી, જ્યાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ ભેળવવાની પુષ્ટિ થઈ.

કઈ કંપનીના પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભળેલું હતું?

લેબ તપાસમાં સામે આવ્યું કે તમામ મોટી તેલ કંપનીઓના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20%ની મર્યાદા કરતાં ઘણું વધારે હતું. બેંગલુરુ અર્બન સહિત 7 જિલ્લાઓના નમૂનાઓમાં IOCLના પેટ્રોલમાં સૌથી વધુ 31.2% સુધી ઇથેનોલ મળ્યું. તેના અન્ય નમૂનામાં 20.8% ઇથેનોલ મળી આવ્યું.

બીજી તરફ, HPCLના પાવર પેટ્રોલમાં 30.5% અને સામાન્ય પેટ્રોલમાં 27% ઇથેનોલ મળી આવ્યું. BPCLના સ્પીડ પેટ્રોલમાં 26.5% અને અન્ય નમૂનાઓમાં 24.2% તથા 22.6% ઇથેનોલ મળ્યું.

આ ઉપરાંત, નાયરાના પેટ્રોલમાં 26.1%, શેલના પેટ્રોલમાં 25.5% અને MRPLના પેટ્રોલમાં 19.2% સુધી ઇથેનોલ નોંધાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *