રાજકોટના લોઠડા ગામે રૂ.200 કરોડની સરકારી જમીન પર 100 કોમર્શિયલ દબાણ, દબાણકારોને આખરી નોટિસ

રાજકોટના પડધરી તાલુકાના રૂપાવટી ગામે રૂ.4 કરોડની કિંમતની 8 એકરની સરકારી જમીન પર ઓરડી સહિતનું દબાણ હોવાથી આજે 4 નવેમ્બરના ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત લોઠડાની અંદાજીત રૂ.200 કરોડની સરકારી જમીન પર લાંબા સમયથી થયેલા 100 જેટલા કોમર્શિયલ દબાણો હટાવવા આખરી નોટિસો દબાણકારોને ફટકારવામાં આવી છે. જો દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવવામાં નહીં આવે તો વહીવટી તંત્ર દ્વારા આગામી 26 અને 27 નવેમ્બરના ડિમોલિશન કરવામાં આવશે.

સરકારી જમીન પર દબાણ દૂર કરવા મામલતદારની કાર્યવાહી
પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે પડધરી તાલુકાના રૂપાવટી ગામ ખાતે વર્ષોથી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે મામલતદાર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આ દબાણની સાફસુફી કરી હતી.પડધરી નજીક આવેલા રૂપાવટી ગામમાં આશરે રૂ.4 કરોડની કિંમતની 8 એકર જેટલી સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર ઓરડી સહિત ખેતીલક્ષી પ્રવૃત્તિઓના નામે દબાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યુ હતું.

નોટિસો આપવા છતાં દબાણ દૂર ન થતા ડિમોલિશન કરાયું
જે વહીવટી તંત્રના ધ્યાને આવ્યા બાદ પડધરી મામલતદાર કચેરી દ્વારા દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.આ મામલે પડધરી મામલતદાર કચેરી દ્વારા સંબંધિત દબાણકર્તાને અગાઉ અનેક વખત નોટિસ પાઠવી સરકારી જમીન પરથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આખરે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પડધરી મામલતદાર કેતન સખીયાના આદેશ બાદ મામલતદાર કચેરીની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, અમરસિંહ ચૌહાણ નામના વ્યક્તિ દ્વારા આ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *