રાજકોટમાં ઝડપાયેલી દારૂ પાર્ટી બાદ પાટીદાર અગ્રણી ગણપત પટેલે SPGના મંચ પરથી યુવાધનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. હવે આ મામલે પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરિયાએ મહત્વનું નિવેદન આપતાં ગણપત પટેલની વાતને ખુલ્લું સમર્થન આપ્યું છે. અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “ગણપતભાઈએ જે ચિંતા વ્યક્ત કરી છે તે વાજબી છે અને તેમના મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. આજે માત્ર પાટીદાર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના અઢારેય વરણના યુવાનો ખોટા માર્ગે ન ચડે તે માટે પરિવારે જાગૃત થવું પડશે.”
ઘરમાં સંસ્કાર સિંચન અનિવાર્ય: ‘દર અઠવાડિયે ધર્મસભા અને પરિવારનું માર્ગદર્શન જરૂરી’
અલ્પેશ કથીરિયાએ યુવાધનના પતન પાછળ સંસ્કારોના અભાવને મુખ્ય કારણ ગણાવતા ભારપૂર્વક કહ્યું કે, સંતાનોને સાચા માર્ગે રાખવા ઘરમાં સંસ્કાર અને ધાર્મિક વાતાવરણ અનિવાર્ય છે. તેમણે જણાવ્યું કે, “પ્રમુખસ્વામી મહારાજ અને પાંડુરંગ દાદાએ જે માર્ગ બતાવ્યો છે તે મુજબ દર અઠવાડિયે દરેક ઘરમાં ધર્મસભા યોજાવી જોઈએ. શાળાઓમાં શિક્ષણ મળે છે, પરંતુ બાળકે શું કરવું અને શું ન કરવું તે પાયાના સંસ્કારો માતા-પિતા અને પરિવારે આપવા ખૂબ જ જરૂરી છે.” ઘરમાં યોગ્ય વાતાવરણ ઊભું થાય તો જ નવી પેઢીને ખોટા માર્ગે જતાં અટકાવી શકાશે.
માત્ર દારૂ નહીં, ડ્રગ્સ અને ગેમિંગનું દૂષણ: ‘પોલીસની નો-ડ્રગ્સ મુવમેન્ટમાં સહકાર આપવો પડશે
વર્તમાન સમયમાં યુવાધનને ભરખી રહેલા નશાના કારોબાર અંગે તેમણે ગંભીર ચિંતા દર્શાવી હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, “આજે માત્ર દારૂ જ સમસ્યા નથી, બજારમાં NDPS, મેફેડ્રોન અને MD ડ્રગ્સ જેવા ઘાતક નશા યુવાનો સુધી પહોંચ્યા છે. પોલીસ તંત્ર જ્યારે ‘નો ડ્રગ્સ’ મુવમેન્ટ ચલાવી રહ્યું છે ત્યારે સમાજ, સરકાર અને પરિવારે એક થઈને લડવું પડશે.” તેમણે ઉમેર્યું કે આજની પેઢી અનહદ સ્વતંત્રતા ભોગવી રહી છે, માતા-પિતાનું સાંભળતી નથી અને મોબાઈલ ગેમિંગ તેમજ સોશિયલ મીડિયાની આદતમાં ફસાઈ રહી છે.
નાની વાતોમાં આપઘાતના પગલાં ચિંતાજનક: ‘સમગ્ર સમાજ વ્યવસ્થાએ હવે ચેતવાની જરૂર’
અંતમાં તેમણે સંવેદનશીલતા ગુમાવી રહેલા યુવાનો વિશે કહ્યું કે, નાની વાતમાં કે શિક્ષક-વડીલોના ઠપકાથી પણ યુવક-યુવતીઓ આપઘાત જેવા અંતિમ પગલાં ભરી રહ્યા છે, જે સમાજ વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. તેમણે કહ્યું કે, “આપણા પડોશમાં, ઘરમાં કે સમાજમાં આવી ઘટનાઓ ન બને તે જોવાની જવાબદારી આપણી છે. યુવાધન આ માર્ગે ન જાય અને વ્યસનથી દૂર રહી શિક્ષણ તથા પ્રગતિ તરફ આગળ વધે તે માટે સૌએ સતર્કતા રાખવી પડશે.”