હિટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત

રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા રોડ ઉપર સુભાષનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય સુરેશભાઈ ખોડાભાઈ નોંધણવદરા ગત 22 ઓક્ટોબરના રોજ સાંજના સમયે રાજકોટ – અમદાવાદ હાઈવે પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝની વચ્ચે સર્વિસ રોડ પર પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે અને બેદરકારીથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સુરેશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આજે 3 નવેમ્બરના સારવાર દરમિયાન તેમને દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ BNSની કલમ 105(1), 281, 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

રાણપુર ગામે ગોડાઉનમાં કલરકામ કરતા વીજ શોક લાગતા શ્રમિકનું મોત

કુવાડવા રોડ પર આવેલા રાણપુર ગામે સંજયભાઈના ગોડાઉનમાં કલરકામની કામગીરી દરમિયાન કરુણ અકસ્માત સર્જાયો હતો. બજરંગવાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રાજેશભાઈ શશીકાંતભાઈ રાવલ (રાજુભાઈ) આજે 3 નવેમ્બરના બપોરના 4 વાગ્યે ગોડાઉનમાં કલરકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઇલેક્ટ્રિક લાઇનને અડી જવાથી તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. શોક લાગવાથી તેઓ નીચે પટકાયા હતા, જેના કારણે તેમના માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *