ભારતમાં બ્રિટનથી બલ્ક સ્કોચ-વિસ્કીની આયાત 1000% વધી

ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના અમલ બાદ દેશમાં બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ઓગસ્ટ 2026માં બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત વાર્ષિક ધોરણે આશરે 1,000% વધીને 12.39 મિલિયન ડોલર એટલે કે 117 કરોડ રૂપિયા રહી હતી.

આયાત ડ્યૂટી 150%થી ઘટીને 75% થઈ

આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે કંપનીઓએ મોટા શિપમેન્ટ મંગાવવાનું શરૂ કર્યું છે. ભારત-યુકેનો ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈ 2026થી અમલમાં આવ્યો હતો. આ હેઠળ પાત્ર સ્કોચ વ્હિસ્કી પર આયાત ડ્યૂટી 150%થી ઘટાડીને 75% કરવામાં આવી છે. આ ટેરિફમાં ઘટાડા બાદ જ બલ્ક શિપમેન્ટમાં આટલો ઝડપી વધારો જોવા મળ્યો છે.

2 લિટરથી વધુ ક્ષમતા ધરાવતા કન્ટેનરમાં સ્કોચ વ્હિસ્કીની આયાત આશરે 679% વધીને 2.5 મિલિયન એટલે કે 25 લાખ લિટર પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં 3.20 લાખ લિટર હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વૃદ્ધિ માત્ર કિંમતોને કારણે નહીં, પરંતુ આયાતમાં થયેલા વધારાને કારણે થઈ છે.

નાની બોટલોમાં આયાત 30% ઘટી

બલ્ક શિપમેન્ટથી વિપરીત, 2 લિટર અથવા તેનાથી ઓછી ક્ષમતાવાળા કન્ટેનરો (બોટલ)માં સ્કોચ વ્હિસ્કીની આયાતમાં ઘટાડો નોંધાયો. ઓગસ્ટમાં આ કેટેગરીની આયાત વાર્ષિક ધોરણે 30% ઘટીને 3.08 મિલિયન ડોલર એટલે કે 29 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષે 4.39 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ રૂપિયા હતી.

તેની આયાતનું વોલ્યુમ પણ 30% ઘટીને 5,71,449 યુનિટ્સથી 402,507 યુનિટ્સ પર આવી ગયું છે. આથી જાણવા મળે છે કે ટેરિફમાં ઘટાડાની શરૂઆતની અસર નાની બોટલોની તુલનામાં બલ્ક શિપમેન્ટ પર વધુ પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *