રાજકોટમાં ફ્લેટ ધારકોની વ્યાજ માફીમાં અન્યાય મુદ્દે મેયર-કમિશનરને રજૂઆત બાદ નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી જેનો વેરો બાકી છે તેવા કરદાતાઓને મિલકત વેરા અને પાણી વેરામાં 5-5 હજાર મળીને કુલ રૂપિયા 10 હજાર સુધીની વ્યાજ માફી યોજના આગામી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. ત્યારે સમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોવાની મેયર અને કમિશનર સમક્ષ થયેલી રજૂઆતોને લઈ દોઢ ઈંચથી માંડીને ચાર ઇંચ સુધીના સમ્પ કનેક્શન માં રૂ. 5 હજારથી લઈ રૂ.3.75 લાખ સુધી વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી આ લાભ પણ મળશે.

રાજકોટ મનપા દ્વારા શહેરના અંદાજે 6 લાખ જેટલા કરદાતાઓ પાસેથી મિલકત વેરા‌ની આવકનો રૂપિયા 438 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.‌ આ સામે હજુ સુધી અંદાજે રૂપિયા 247 કરોડ જેટલી આવક થઈ છે.‌ નવેમ્બર માસ શરૂ થઈ ગયો છે અને નાણાંકીય વર્ષ પુરું થવા આડે હજુ 5 મહિના જેટલો સમય છે. ત્યારે એક તરફ વેરા વસૂલાત શાખા રૂપિયા 439 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા‌ આકાશ પાતાળ એક કરી રહી છે ‌ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાની તિજોરી ભરવા અને લાંબા સમયથી વેરો નહીં ભરનારા બાકીદારો વેરો ભરપાઈ કરે એ માટે મિલકત વેરામાં 5 હજાર અને પાણી વેરામાં 5 હજાર મળી કુલ 10 હજાર રૂપિયાની વ્યાજ માફી યોજના ફરી થી આગામી ડિસેમ્બર મહિના સુધી અમલમાં મૂકવામાં આવી છે.

વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જનરલ બોર્ડમાં જે મિલકત ધારકોની વેરાની મુદલ કરતાં વ્યાજ વધુ હોય તેમની પાસેથી વેરાની મુદલ જેટલું જ વ્યાજ વસુલવા ઠરાવ થયો છે. જોકે સમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોય મેયર અને કમિશનર પાસે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.‌ આ રજૂઆત વ્યાજબી જણાતા 1 ઇંચથી લઈને 4 ઈંચ સુધીના સંમ્પ કનેક્શન ધરાવતા ‌ફ્લેટ ધારકોને રૂ. 5 હજારથી માંડીને રૂ. 3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *