રાજકોટના ભાવનગર રોડ પર પાર્સલની ઓફિસમાંથી રૂ.4.56 લાખની ચાંદીના પાર્સલની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રણછોડનગરમાં સોમાની લોજિક્સ એન્ડ પાર્સલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાંથી થયેલી ચોરીના મામલામાં પોલીસે ડીલેવરી બોયને પકડી પાડ્યો છે. જ્યારે અન્ય બનાવમાં લાખના બંગલા પાસે રહેતા 39 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ડીલેવરી બોય પાસેથી 50 ટકા મુદ્દામાલ જ કબજે થયો
રાજકોટ શહેરના ભાવનગર રોડ પર રણછોડનગરમાં સોમાની લોજિક્સ એન્ડ પાર્સલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના વેપારી નારાયણ સુશીલકુમાર સોમાનીએ પોતાની પાર્સલની દુકાનમાંથી રૂ.4,56,738ની ચાંદીનું પાર્સલ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને અહીં ડીલેવરી બોય તરીકે નોકરી કરતા 21 વર્ષીય અનિલ પ્રકાશભાઈ શર્માની પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી રૂ.2,71,350 ની ચાંદી કબજે કરી છે. જે ચાંદી બંસી જ્વેલર્સની હતી. હાલ પોલીસે બાકીનો મુદ્દામાલ અબજે કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાખના બંગલા પાસે 39 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
રાજકોટના લાખના બંગલા પાસે રઘુનંદન શેરી નં.3 માં રહેતા 39 વર્ષીય અજયભાઈ નરોત્તમભાઈ પૂર્ણવેરાગીએ ગત તા.31 ઓક્ટોબરના સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને પગલે તેઓ બેભાન થઈ જતા તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.