મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પરેશ ધાનાણી અને ગોપાલ માટે વધુ તાળીઓ પડતા સ્ટેજ પરથી નીતિન પટેલે કહ્યું કે, મારા કરતા આ બન્ને માટે વધુ પાળીઓ પડી, બોલો માટે શું કરવું…તો નીતિન પટેલને સંબોધીને પરેશ ધાનાણીએ કહ્યું કે, નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે બધા નવરા થઈ ગયાં. આ ઉપરાંત ધાનાણીએ સરદાર પટેલના નામ પર ડસ્ટર મારવા અને નામ ભૂસવા પર સમાજને ખાસ ટકોર કરી હતી.
સભાને સંબોધતા ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, મારે એક ચિંતા વ્યક્ત કરવી છે. અહીં લાલજીભાઈએ એક લાખ છોકરાઓ પરણાવવાનો ટાર્ગેટ રજૂ કર્યો. હવે છોકરા પરણાવવા માટે એક સંસ્થા છે. છોકરાને IAS બનાવવાની એક સંસ્થા છે. છોકરા ભણાવવા માટેની એક આપણે ગણપત યુનિવર્સિટી સંસ્થા છે. છોકરા બીમાર પડે તોય એક સંસ્થા છે. છોકરાઓને જે-જે વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ માટે આપણી પાસે એક-એક સંસ્થા છે, પણ છોકરાને ધારાસભ્ય બનવું હોય તો? એકેય સંસ્થા નથી.