રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને કારણે દંપતીએ સજોડે આપઘાત કરી લીધાના બનાવમાં ભક્તિનગર પોલીસે આરોપી ગોગન આહીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. લસણ ફોલવાનું કારખાનું ચલાવતા 40 વર્ષીય રમેશભાઈ માવજીભાઈ ચાવડા અને તેમનાં પત્ની ભારતીબેને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. દંપતીએ રૂ.9.10 લાખની સામે રૂ.30.70 લાખ ચૂકવી દીધા બાદ પણ સતત વ્યાજની માંગણી કરવામાં આવતી હતી.
જોકે, હાલ દંપતીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા છે ત્યારે મુખ્ય આરોપી ગોગનને જ્યારે મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યો તે દરમિયાન તેના ચહેરા ઉપર કોઈપણ પ્રકારનો અફસોસ જોવા મળતો ન હતો.
રાજકોટ શહેર ACP પૂર્વ ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, વ્યાજખોરીના ત્રાસથી એક દંપતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. પ્રથમ ગોગન કારાભાઈ બંધીયા ઉર્ફે ગોગન આહીર કે જેની પાસેથી મૃતકે રૂ.4.50 લાખ લીધા હતા અને રૂ.21 લાખ ચૂકવી દીધા હોવા છતાં રૂ.20 લાખનું લખાણ કરાવી વધુ વ્યાજ માંગતો હતો. જ્યારે ફકરૂદ્દીન નિસા બુખારી કે જેની પાસે છે મૃતકે રૂ.4 લાખ લીધા હતા અને તેની સામે રૂ.9 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રકમની માંગણી કરતા હતા. આ ઉપરાંત ત્રીજા આરોપી નિઝામ અબ્બાસભાઇ ઘુસા પાસેથી મૃતકે રૂ.60 હજાર વ્યાજ લીધા હતા.