રાજકોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે માર્વેલના શોરૂમની પાછલ Z ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં લાકડા, કાપડ અને ફર્નિચર સહિતનો જ્વલનશીલ સામગ્રીનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ દારણ કર્યું હતું. ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ફર્નિચર-મંડપનો તમામ ડેકોરેશનનો સામાન બળીને ખાખ
ઘટના અંગે નજરે જોનાર પ્રત્યક્ષદર્શી દિનેશ રાજપૂતે જણાવ્યું હતું કે, તેઓ ઘટનાસ્થળની નજીક જ હતા અને તેમણે જોયું કે પહેલી ગલીમાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી. આગ ધીમે ધીમે વધતી વધતી પાછળના ભાગ સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં ફર્નિચર અને મંડપનો તમામ ડેકોરેશનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક સ્થિતિ જોઈને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નજીકમાં કોઈએ કચરો સળગાવ્યા બાદ આગ લાગી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

બનાવની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. લિડિંગ ફાયરમેન અમલિયાર મેહુલકુમાર રાજુભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, તેમને અંદાજે અડધો કલાક પહેલા જામનગર રોડ માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને જોયું તો આગ ખૂબ જ વિકરાળ હતી, જેથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરીને અન્ય ફાયર ફાઇટરોની મદદ મંગાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *