આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ અને ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા શુભ મુહૂર્તો માટે લોકો અગાઉથી જ એડવાન્સ તથા પ્રી-બુકિંગ કરાવી રહ્યા છે. જ્યારે ગ્રાહકોમાં જૂનું સોનું આપીને નવું ખરીદવાનો ટ્રેન્ડ તેમજ યુવા વર્ગમાં 9, 14 અને 18 કેરેટની જ્વેલરીની માંગ વિશેષ જોવા મળી રહી છે. જ્યારે વેપારીઓ 6 મહિનામાં સોનું 2 લાખને પાર થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
જ્વેલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓ, ડોલર ઇન્ડેક્સ અને માર્કેટ કરેક્શનના કારણે સોનાના ભાવ ઘટીને રૂ. 1.45 લાખ અને ચાંદીના ભાવ રૂ. 1.90 લાખ આસપાસ પહોંચતા ગ્રાહકો માટે ખરીદીની શ્રેષ્ઠ તક સર્જાઈ છે; તેમજ મોટાભાગના શહેરોમાં આ વર્ષે વેચાણમાં 10થી 30 ટકાનો વધારો થવાની ધારણા છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહોને કારણે ભાવ ફરીથી વધવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે.
હાલમાં ચાંદીના ભાવ જે અગાઉ 4 લાખ રૂપિયાની આસપાસ હતા તે ઘટીને 1,90,000 થી 1,92,000 રૂપિયા આસપાસ એટલે કે 50 થી 60 ટકા જેટલા ઘટી ગયા છે, જ્યારે સોનાના ભાવ પણ 2 લાખ રૂપિયાથી ઘટીને 1,42,000 રૂપિયા આસપાસ પહોંચ્યા છે. આટલો મોટો ઘટાડો થતા ગ્રાહકોમાં ભારે પૂછપરછ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ઘરના પ્રસંગો તેમજ આગામી દિવસોમાં આવનાર પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો દ્વારા અગાઉથી જ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી અને ધનતેરસમાં સોના-ચાંદીનું વેચાણ 10 થી 20 કે 30 ટકા જેટલું વધવાની આશા છે’