સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે બે હાઈ સ્પીડ ટ્રેનો અથડાઈ ગઈ. DD ન્યૂઝ મુજબ, આ અકસ્માતમાં 68 લોકોનાં મોત થયા છે, જ્યારે 179 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે ઇમરજન્સી અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સ્પેનિશ અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે થયો. એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી. અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાઈ ગયા છે.
અકસમાત બાદ રાજધાની મેડ્રિડને સ્પેનના દક્ષિણ આંદાલુસિયા વિસ્તાર સાથે જોડતી રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ટક્કર સ્પેનની સરકારી ટ્રેન Renfe AVE 2080 અને ખાનગી ટ્રેન Iryo 6076 વચ્ચે થઈ છે. તેમની સરેરાશ ઝડપ 200 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે.
એક ટ્રેન સવારે 8 વાગ્યે મેડ્રિડથી સેવિલ માટે રવાના થઈ હતી. તે દરમિયાન બીજી ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ. રેલવે નેટવર્કનું સંચાલન કરતી કંપની અડિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી.
સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે X પર લખ્યું કે ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે. તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતથી અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે.