ઇઝરાયેલની ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષના નેતા ગાદી આઇઝેનકોટ, બંને બહુમતીથી દૂર રહી ગયા છે.
85.6% મતોની ગણતરી બાદ નેતન્યાહૂનું ગઠબંધન 53 બેઠકો પર અને આઇઝેનકોટનું વિપક્ષી ગઠબંધન 48 બેઠકો પર આગળ છે.
આ તરફ, આરબ પક્ષોને કુલ 19 બેઠકો મળતી દેખાઈ રહી છે. સરકાર બનાવવા માટે સંસદની 120 બેઠકોમાંથી ઓછામાં ઓછી 61 બેઠકો જરૂરી છે.
આ દરમિયાન નેતન્યાહૂની પાર્ટી લિકુડે આરબ પક્ષો પર ચૂંટણીમાં મતચોરી અને ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ પોલીસ, આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. જોકે, આ આરોપો હજુ સુધી સાબિત થયા નથી.
ઇઝરાયલમાં સરકાર બનાવવા માટે પસંદ કરાયેલા નેતાને શરૂઆતમાં 28 દિવસનો સમય મળે છે. જરૂર પડે તો રાષ્ટ્રપતિ આને 14 દિવસ વધુ લંબાવી શકે છે. એટલે કે સરકાર બનાવવા માટે કુલ 42 દિવસ મળી શકે છે.
આ દરમિયાન નેતાએ બીજી પાર્ટીઓ સાથે વાતચીત કરીને સમર્થન મેળવવાનું હોય છે. આ માટે પાર્ટીઓ વચ્ચે નીતિઓ અને મંત્રીપદોને લઈને સમજૂતીઓ થઈ શકે છે.
સરકાર બનાવવા માટે સામાન્ય રીતે સંસદમાં 61 બેઠકોનું સમર્થન જરૂરી હોય છે. જો નેતા 61 બેઠકોનું સમર્થન ન મેળવી શકે, તો તે નાની પાર્ટીઓના સહયોગથી લઘુમતી સરકાર બનાવવાનો અથવા બે નેતાઓ વચ્ચે વારાફરતી વડાપ્રધાન બનવાની સમજૂતી કરવાનો પ્રયાસ પણ કરી શકે છે.