SOG પોલીસે યોગીનગરમાં દરોડો પાડી 680 ગ્રામ ગાંજા સાથે પૂજા ભટ્ટની અટકાયત કરી

રાજકોટ શહેર એસઓજી (SOG) પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના યોગીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પૂજા ભટ્ટ નામની મહિલાને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 23.80 લાખની કિંમતનો 680 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. 23.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં દુર્લભ અને અતિ મોંઘા ગણાતા આ હાઇબ્રિડ ગાંજાના કેસમાં પોલીસે મહિલાના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે તેમજ મુખ્ય આરોપી સહિતના નેટવર્કની તપાસ તેજ કરી છે.

ગૌતમ દવેનું નામ ખુલતાં શોધખોળ શરૂ, કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાશે
યોગીનગરમાં દરોડા દરમિયાન ઘરમાંથી જથ્થો મળી આવતાં પોલીસે આરોપી મહિલા પૂજા ભટ્ટની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આ ગુનામાં ગૌતમ દવે નામના અન્ય એક શખ્સની સંડોવણી સામે આવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે, જેથી આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને વેચવાનો હતો તેની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે.

સામાન્ય ગાંજા કરતાં અતિ તીવ્ર નશો, 1 કિલોની કિંમત રૂ. 35 લાખ
સામાન્ય ગાંજા અને હાઇબ્રિડ ગાંજા વચ્ચે નશાની તીવ્રતામાં મોટો તફાવત હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂ. 50,000 હોય છે, જ્યારે હાઇબ્રિડ ગાંજાની કિંમત કિલોદીઠ રૂ. 35 લાખ જેટલી ઊંચી હોય છે. હાઇબ્રિડ ગાંજાનું થોડી જ માત્રામાં સેવન એમડી (MD) ડ્રગ્સ જેવી તીવ્ર અસર કરતું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *