રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા નૂડલ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વાસી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતી ફૂડ એન્ડ બેવરેજીસમાંથી કુલ 800 કિલોગ્રામ વાસી નૂડલ્સનો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ તમામ વાસી જથ્થાનો સ્થળ પર નાશ કર્યો હતો અને સંબંધિત પેઢીને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે શંકાસ્પદ લાગતા ખાદ્ય પદાર્થોનાં કુલ 8 નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કાર્યવાહી કરાશે.
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસમાં ફૂડ શાખા દ્વારા કુલ 29 પેઢી અને એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અખાદ્ય-બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં વેચાતો કુલ 841 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ કાર્યવાહી અંતર્ગત રૂ. 12,500 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ કુલ 8 પેઢીમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. ઉપરાંત 5 પેઢીઓને સ્ટોરેજ બાબતે અને લાયસન્સ તેમજ હાઈજિનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.
આ ચેકિંગ દરમિયાન માધાપર ચોકડી પાસે આવેલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ‘ભારતી ફૂડ એન્ડ બેવરેજીસ’ નામના એકમમાં મનપાની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ કન્ડિશનમાં રાખવામાં આવેલ અંદાજે 800 કિલો જેટલો હક્કા નૂડલ્સનો વાસી જથ્થો મળી આવ્યો હતો. ફૂડ શાખા દ્વારા ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહિત નૂડલ્સનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો છે અને આ પેઢી પાસેથી રૂ. 10,000 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.