‘જ્યાં વરસાદ ઓછો છે ત્યાં સરકારી યોજનાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વે કરાવી લીધો છે. ભવિષ્યમાં જરૂર પડશે તો એ વિસ્તારને ધ્યાનમાં રાખી દુષ્કાળ જાહેર કરવાનું થતું હશે તો અછત જાહેર કરીશું’. આ શબ્દો છે મંત્રી કુંવરજી બાવળિયાના. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં રાષ્ટ્રીય સરસ મેળાના ઉદ્ધાટન સમયે આ નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો-પશુપાલકો ઘાસચારો અને પાણીની યોગ્ય વ્યવસ્થાની માગ કરી રહ્યા છે.
‘વધારાનું ઘાસ અને પાણી દરેક જિલ્લામાં અપાઈ રહ્યું છે’
મંત્રી કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે, અત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં ઘાસ અને વધારાનું પાણી દરેક જિલ્લામાં અપાઈ રહ્યું છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પર જવાબ આપ્યો કે, એ જ્યાં જરૂરિયાત ઊભી થશે એ પ્રમાણે સર્વે કર્યા પછી અને જે પ્રકારની જરૂરિયાત હશે એ પ્રમાણે રાજ્ય સરકાર એ બાબતે પોઝિટિવ છે. પણ અત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં પાણી, ઘાસચારો વગેરે અપાય છે.
વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે 2016માં એક મેન્યુઅલ બહાર પાડ્યું હતું. જેમાં કેવા સંજોગોમાં દુષ્કાળ જાહેર કરી શકાય, તેના વિશે માહિતી અપાઈ છે.
2020માં આ નિયમ પુસ્તિકામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકાર તેને જ અનુસરે છે. આ મેન્યુઅલ મુજબ દુષ્કાળ ચાર પ્રકારના હોય છે.