દીકરી શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થતી હતી, ગઈકાલે ઘરે એકલી હતી ત્યારે જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે શાકભાજી વેચતી માત્ર 17 વર્ષની સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના સભ્યો બહાર એક રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન પાછળથી ઘરે એકલી રહેલી સગીરાએ આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.

પરિવાર પ્રસંગમાં ગયો અને સગીરાએ ફાંસો ખાધો
ઘટનાની વિગતો અનુસાર, વાવડી ગામ પાછળ આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ચામુંડા હોટલ પાસે રહેતી અને મૂળ મહારાષ્ટ્રના કાનપુરની વતની 17 વર્ષીય કાજલકુમારી રાજુભાઈ નામની સગીરા સાંજના આશરે ૬ વાગ્યાના સુમારે ઘરે એકલી હતી. આ સમયે પરિવારજનો એક રેસ્ટોરન્ટના ઓપનિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે કાજલકુમારી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, સ્થળ પર પહોંચેલા 108ના તબીબી સ્ટાફે તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી.

શાકભાજી વેચી પરિવારને ટેકો આપતી હતી દીકરી
આ ઘટના અંગે જાણ થતાં જ રાજકોટ તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી પંચનામું કરી સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના પિતા રાજુભાઈ છૂટક મજૂરીકામ કરે છે. ૧૭ વર્ષની કાજલકુમારી પણ ઘરની આર્થિક સ્થિતિ સુધારવા અને માતા-પિતાને મદદરૂપ થવા માટે શાકભાજી વેચવાનું કામ કરતી હતી. મહેનતુ અને નાની ઉંમરની દીકરીના અકાળે અવસાનથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આપઘાતના કારણ અંગે રહસ્ય, તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
શાકભાજી વેચતી આ પરિશ્રમી સગીરાએ કયા સંજોગોમાં કે કયા અગમ્ય કારણોસર આટલું મોટું અંતિમ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો પણ સંપૂર્ણપણે અજાણ છે. ઘરમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તેમજ સગીરા કોઈ માનસિક તણાવમાં હતી કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર હતું, તે દિશામાં તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *