ટાઈગર ફાયરિંગ કેસ, સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું સિક્રેટ ઓપરેશન

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી સુરત સુધી લંબાતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત મોડી રાતે સુરત રેલવે સ્ટેશન આવી પહોંચી હતી. જોકે, આ સમગ્ર ઑપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક પણ અધિકારી કે જવાનને અણસાર સુદ્ધાં નહોતો કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આખરે કોને શોધી રહી છે. મુંબઈની ટીમે સ્થાનિક RPF સમક્ષ કોઈ વિગતો જાહેર કર્યા વગર સીધી જ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પહોંચીને તપાસના ભાગરૂપે સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી કરી હતી. આ દરમિયાન અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય શંકાસ્પદ હુમલાખોરો કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા. ફૂટેજ મુજબ, આ ત્રણેય શખ્સો સૌપ્રથમ રેલવે સ્ટેશન પરિસરની બહારથી અત્યંત ઉતાવળમાં દોડતા નજરે પડે છે અને પોલીસની પકડથી બચવા માટે એકસાથે રેલવે સ્ટેશનની અંદર પ્રવેશતા જોવા મળે છે.

દોડીને પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેન પકડીને ફરાર થયા
પ્લેટફોર્મ નંબર 1ના સીસીટીવી ફૂટેજમાં આ હુમલાખોરોની નાસભાગ દેખાય છે, જેમાં ત્રણ પૈકીના બે શખ્સો દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કરે છે, જ્યારે તેમની પાછળ કાળા રંગના ટી-શર્ટમાં રહેલો ત્રીજો સાથી પણ ઝડપથી દોડીને ચાલુ ટ્રેને ચડી જાય છે. હુમલાખોરો સુરતથી પસાર થતી પુણે-જયપુર ટ્રેનના સમયથી પહેલેથી જ વાકેફ હતા. સમય અત્યંત ઓછો હોવાથી તેઓ સ્ટેશનની બહારથી લઈને પ્લેટફોર્મ સુધી સતત દોડતા રહ્યા હતા, જેથી કોઈપણ ભોગે આ ટ્રેન પકડીને પોલીસને ચકમો આપી શકાય અને સુરક્ષિત રીતે ફરાર થઈ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *