ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આવેલા લીમડા ચોકમાં છેલ્લા ૫૭ વર્ષથી યોજાતી પ્રાચીન શક્તિ ગરબી મંડળમાં નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં નાની બાળાઓ દ્વારા દરરોજ નીતનવા પ્રાચીન ગરબાની રમઝટ સાથે માતાજીના અલૌકિક સ્વરૂપોની ભવ્ય આરતી રજૂ કરવામાં આવે છે.
નવરાત્રીના નોરતે સિંહાસન પર બિરાજમાન સાક્ષાત માઁ મહાકાળીનું દિવ્ય સ્વરૂપ ગરબીમાં પધારતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
માઁ મહાકાળીના આ જીવંત અને તેજસ્વી સ્વરૂપના દર્શન કરીને ઉપસ્થિત સૌ ગ્રામજનો તથા ભાવિકો ભાવવિભોર બનીને દંગ રહી ગયા હતા. ગરબી મંડળની બાળાઓએ હાથમાં 251 દીવડાની પ્રજ્વલિત જ્યોત ધારણ કરીને માઁ મહાકાળીની ભવ્ય મહાઆરતી ઉતારી હતી.
એકસાથે 251 દીવડાના ઝળહળાટ અને ભક્તોના ગગનભેદી જયજયકારથી સમગ્ર લીમડા ચોક ગુંજી ઉઠ્યો હતો.ભક્તિ અને સંસ્કૃતિના આ સંગમમાં બાળાઓ દ્વારા રોજેરોજ વિશેષ ધાર્મિક કૃતિઓ રજૂ કરવામાં આવે છે.
જે અંતર્ગત આજે સાક્ષાત શિવ-શક્તિના પ્રતીક સમાન ભગવાન શિવના ”અર્ધનારીશ્વર” સ્વરૂપમાં મહાદેવ પધારીને રૌદ્ર તાંડવ નૃત્ય રજૂ કરશે.આ ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મામા કંસનો વધ કરવાની પૌરાણિક કથા પર આધારિત ”કંસવધ” નાટ્યકૃતિનું પણ આબેહૂબ મંચન કરવામાં આવશે.